પ્રસંગ સરિતા.....

  • આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’
એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’
  •  ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’
ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’


  •  બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’
    ‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.
  • બાદશાહ નૌશેરવાનો મિજાજ ખુબ જ ગરમ હતો. નાની અમથી ભૂલની પણ તેઓ ફટકાની કે મોતની સજા કરી નાખતાં.
    એક વખત તેઓ ભોજન કરી રહ્યાં હતાં ત્યારે પીરસનારથી શાકનાં રસાનાં થોડાં છાંટા બાદશાહનાં કપડાં ઉપર ઊડ્યાં.
    બાદશાહ આ જોઇને ગુસ્સાથી લાલઘુમ થઇ ગયાં.
    આથી પીરસનારે બાકીનો બધો રસો પણ બાદશાહનાં કપડાં ઉપર છાંટી દીધો.
    બાદશાહ હવે વધારે ગુસ્સે થયાં અને બોલ્યાં, ‘…, તારી આ હિંમત ?’
    પીરસનારે કહ્યું, બાદશાહ, મને માફ કરજો, પણ આપનો ક્રોધ જોઇને હું સમજી ગયો કે મારો જાન હવે બચે તેમ નથી. આથી મેં જાણી જોઇને આપનાં કપડાં ઉપર બાકીનો બધો રસો પણ છાંટી દીધો. જેથી લોકો આ વાત જાણે ત્યારે કોઇ એમ ન કહે કે બાદશાહે ભૂલથી જરાં જેટલો રસો ઉડ્યો તેમાં તો ગુલામને મોતની સજા દઇ દીધી.
    આ સાંભળીને બાદશાહને તેનાં ગુલામ પ્રત્યે માન ઉપજ્યું અને તેને માફ કરી દીધો.
  •   ગરીબ માણસ હંમેશાં સ્વાદિષ્ટ ભોજન જ કરતો હોય છે. કારણ કે તેની ભૂખ જ તેનાં ભોજનમાં સ્વાદ ઉત્પન કરે છે અને આ ભૂખ તો ધનવાનો માટે હંમેશાં દુર્લભ જ હોય છે. – વિદુર નીતિ
    • સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.
    એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.
    આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.
    એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.
    ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.
    આવા હોય છે સતકર્મોનાં ફળ.
  •  એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
    હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

    એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.
    એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.
    જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.
    •  

      આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનાં સદવચનો.

      પહેલવાનનાં ખંભે હાથ મૂકવા માત્રથી રોગી માણસ તંદુરસ્ત નથી બની જતો. બસ, એ જ રીતે માત્ર કાયાનાં સ્તરે જ ધર્મ કરતાં રહેવાથી આત્મા દોષમુક્ત નથી બની જતો.
      સજ્જનની વાતમાં સમંત થવામાં જેટલી તાકાત જોઇએ છે, એનાં કરતાં અનેકગણી તાકાત દુર્જનની વાતમાં અસમંત થવામાં જોઇએ છે.
      ગુરૂની કઠોરતા એ જ એની કરૂણા છે.
      સાગરનાં પાણીને કહેવાય છે તો પાણી જ, પણ એ પાણી તૃષા ઘટાડવાને બદલે વધારતું રહે છે. સંસારની ભૌતિક સામગ્રીઓને પણ કહેવાય છે તો સુખ જ, પણ એ તૃપ્ત કરવાને બદલે અતૃપ્તિ વધારતું રહે છે.
      કુરૂપ માણસનો જેમ દર્પણ દુશ્મન હોય છે તેમ દંભી માણસ આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે.
      ગુનો જો નથી જ કર્યો તો ભલે ઘરની બાજુમાં જે જેલ ઊભી થઇ ગઇ છે, ડરવાની કોઇ જ જરૂર નથી. પાપ જો કર્યું જ નથી તો કર્મસતાથી ડરવાની કોઇ જ જરૂર નથી.
      આ જગતમાં સરળમાં સરળ કામ કાંઇ હોય તો, એ છે મનને બગાડવાનું અને કઠિનમાં કઠિન કામ હોય તો, એ છે મનને સુધારવાનું.
      તમારા પરિવારનું જીવન સુધારવાનાં તમારા આવેશપૂર્ણ પ્રયાસો તમારૂ મરણ બગાડનારા ન બની રહે એની ખાસ કાળજી રાખજો.
      પુરૂષ જો સુધરે છે તો એ એકલો જ સુધરે છે, પણ સ્ત્રી જો સુધરે છે તો આખુ ઘર સુધરી જાય છે.
      આવક વધતી ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવામાં જે વ્યક્તિ સફળ બની જાય છે, એ વ્યક્તિ કાળઝાળ મોંઘવારીમાંય સમાધિ ટકાવી રાખવામાં સફળ બની રહે છે.
      દૂધ જોઇએ છે એ જરૂરિયાત. દૂધમાં સાકર જોઇએ છે એ ઇચ્છા અને દૂધમાં સાકર જોઇએ જ છે એ આકાંક્ષા.
      ગરીબ અને શ્રીમંત વચ્ચે સંપતિની માત્રામાં તફાવત હશે પણ અતૃપ્તિની માત્રામાં તો કોઇ જ તફાવત નથી.
      ગણિત અને ગણતરીમાં જ જે રમ્યા કરે છે એ અગણિતને પામવાથી વંચીત રહી જાય છે.
      સબંધમાં એકવાર શંકા ઊભી થઇ જાય છે પછી સહવાસની પ્રત્યેક પળ મજાનું કારણ ન બનતા સજાનું કારણ બની રહે છે.
      •  એકવાર તેમણે બ્રિટીશ આમસભા (Lower House)માં એવી ટિપ્પણી કરી હતી કે ‘ગૃહના અડધા સભ્યો મૂર્ખ (Idiot) છે!’ આ શબ્દ બિનસંસદીય હોઈ ‘શરમ…શરમ’ના પોકાર સાથે એ વિધાનના વિરોધમાં બધા સભ્યો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા. મિ. ચર્ચિલે બધાને શાંત થઈ જવાની વિનંતિ કરી અને આ શબ્દોમાં માફી માગી, ‘હું અત્યંત દિલગીર છું. હું મારા વિધાનને પાછું ખેંચું છું. હું તેને સુધારીને ફરી રજૂ કરું છું કે ગૃહના અડધા સભ્યો મૂર્ખ નથી!’ આખું ગૃહ તેમના વડાપ્રધાનને માફી માગતા જોઈને ઉશ્કેરાટમાં આવી ગયું હતું અને પાટલીઓ થપથપાવવાના અવાજ તથા તેમના ઘોંઘાટની વચ્ચે ચર્ચિલે સુધારેલા વિધાનના છેલ્લા શબ્દો તરફ કોઈનું ધ્યાન ગયું નહિ
      • થોડાક ટૂંકા વાક્યો

        … મારી જાતનો ગુલામ થતાં હું સાવધાન રહીશ, કારણ કે બધી ગુલામી કરતાં એ ગુલામી કાયમી, શરમભરેલી અને આકરામાં આકરી છે. – સેનેકા
        … જે માણસ પોતાની જાત ઉપર હકૂમત ચલાવી ન શકે તે સાચા અર્થમાં સ્વતંત્ર નથી. – પાયથાગોરસ
        … આપણી જાતને છેતરવા જેવું સહેલું કશું નથી, કારણ કે આપણે આપણી જાતની બાબતમાં જે ઇચ્છતા હોઇએ તે ઝટ માની લેતા હોઇએ છીએ. – ડેમોસ્થિનિસ
        … સ્વાર્થીપણુ એ એવો ઘૃણાપાત્ર દુર્ગુણ છે, કે જેને બીજામાં જોઇને કોઇ માફ નથી કરતું, અને જે પોતાનામાં ન હોય તેવો કોઇ માણસ નથી. – એચ. ડબલ્યુ. બીચર
        … તકલીફ ઉઠાવવાની અખૂટ તાકાત એ જ બુધ્ધિમતા છે. – કાર્લાઇલ
        … કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ તેમને કાંઇ કહેવાનું નથી એ નથી, પણ ઘણું કહેવાનું હોય છે, તે હોય છે. – બેકન
        … સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે. – વિનોબા ભાવે
        … સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી. – સેમ્યુઅલ બટલર
        … જો કોઇ વ્યક્તિ મને એકવાર દગો દે તો એ દગો દેનારે શરમાવા જેવું છે, પણ જો કોઇ મને બીજીવાર દગો દે તો એમાં મારે શરમાવા જેવું છે.
        … જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે. – પોર્ટસ
        … જહોન વોનામેકર તેનાં નામની બ્રાન્ડથી પ્રખ્યાત સ્ટોરનો સ્થાપક. તેણે કહ્યું છેઃ ‘લગભગ ત્રીસ વર્ષ પહેલાં હું શીખ્યો હતો કે કોઇનેય ઠપકો આપવો એ મૂર્ખામીભર્યું કામ છે કારણ કે હું પોતે મર્યાદાઓથી ભરેલો છું, તેનાં કારણે મને ઘણી મુશ્કેલીઓ પડી છે. તેથી હું ચિડાયા વગર એમ સમજતો કે ઇશ્વરે બધાને એકસરખી બુધ્ધિની ભેટ આપી નથી-કોઇને વધારે તો કોઇને ઓછી.’ – ડેલ કાર્નેગીનાં પુસ્તક How to Win Friends and Influence Peopleમાંથી.