પ્રાર્થના




મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી
રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી
હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી
હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી



ન જાણ્યું જાનકીનાથે


થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે


હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે


જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે


થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે


અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે


સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે


હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારોશોચમાંછે કે અમારુંશુંથવાનુંછે


થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે


- બાલાશંકરકંથારિયા








ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી



બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

- મરીઝ


એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી.






No comments:

Post a Comment